આવો મતદાન કરીએ ,મતનું મૂલ્ય સમજીએ.

તમારો એક મત ચમત્કાર સર્જી શકે છે

  • ૧૯૯૮માં યોજાયેલ ૧૨મી લોકસભાની ચૂંટણીનો દિવસ હતો. દિલ્હીના એક ચૂંટણી બૂથ ઉપર લાગેલી કતારમાં એક મતદાતાને ઊભેલા જોઈ તમામ લોકો આશ્ચર્યમાં પડી ગયા. એ મતદાતા હતા દેશના પ્રથમ નંબરના નાગરિક તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી કે. આર. નારાયણન્. તેઓ સામાન્ય મતદારની માફક જ કતારમાં મત આપવા ઊભા હતા. વળી તેઓશ્રી એકલા ન હતા,
  • તેમની સાથે તેમનાં પુત્રી ચિત્રા પણ હતાં. એક પત્રકારે અહોભાવપૂર્વક તેમને પ્રશ્ન પૂછ્યો, તો તેના જવાબમાં તેમણે કહ્યું કે, મત અતિ કીમતી છે. મતદાન દરેક નાગરિકનો ધર્મ છે. હું મારો નાગરિક ધર્મ નિભાવી રહ્યો છું.

 

  • પણ પ્રશ્ન એ થાય છે કે મત કીમતી શા માટે છે ? મતની કિંમત શું? આ સમજવા માટે એક બીજા પ્રશ્નને સમજવો જરૂરી છે કે જીત અને હાર વચ્ચેનું અંતર કેટલું ? તો જવાબ મળે છે કે જીત અને હાર વચ્ચેનું અંતર માત્ર એક જ મતનું છે અને તે કારણે જ ચૂંટણીમાં મત અતિમૂલ્યવાન છે. એક વોટની કિંમત આમને પૂછો.
  • ઉમરેઠ તાલુકાના ભાલેજ ગામની પંચાયતની બેઠક ઉપર કૉંગ્રેસના વારીસમિયાં ઠાકોર અને ભાજપના જહીરમિયાં ઠાકોર વચ્ચે ખરાખરીનો જંગ હતો. બંને ઉમેદવારો એક જ જ્ઞાતિના હતા અને તેઓના આ વૉર્ડમાં તે જ જ્ઞાતિ સમુદાયના મત વધારે હતા, જેના કારણે બેઠક ઉપર કોણ હારશે ને કોણ જીતશે તેની ચર્ચાઓ પણ ખૂબ થતી હતી, પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે સૌને આશ્ચર્ય થયું. ભાજપના જહીરમિયાં ઠાકોરને ૧,૨૫૦ અને કૉંગ્રેસના વારીસમિયાં ઠાકોરને ૧,૨૪૯ મત મળ્યા હતા. ભાજપના જહીરમિયાંનો એક મતે વિજય થયો.

 

  • વર્ષ ૨૦૧૦. ભટોલી જદીદ પંચાયતના સરપંચની ચૂંટણી યોજાઈ. બે મહિલા નીતુ શર્મા અને પૂનમ શર્મા વચ્ચે અહીં બરાબરીનો જંગ થયો. ચૂંટણી યોજાઈ અને પરિણામ પણ આશ્ચર્યજનક રહ્યું. મતગણતરીમાં પૂનમ શર્મા માત્ર એક વોટથી જીતી રહ્યાં હતાં. સ્થિતિને જોઈને ચૂંટણી અધિકારીએ એકવાર નહિ, દસવાર મતોની ગણતરી કરી, પણ પૂનમ શર્મા માત્ર એક મતથી જ જીતી રહ્યાં હતાં. અંતે પૂનમ શર્માને વિજેતા ઘોષિત કરાયાં. માત્ર એક વોટથી નીતુની હાર થઈ.
  • ૧૯૯૮માં બીજેપીના સોમ મરાન્ડી બિહારની રાજમહલ સંસદીય બેઠક પર માત્ર ૯ મતે જીત્યા હતા. તેવી રીતે ૧૯૮૯માં કૉંગ્રેસના રામકૃષ્ણ આંધ્રની અનાકપલ્લી સંસદીય બેઠક ૯ મતે જીત્યા હતા. ૧૯૯૬માં વડોદરાની બેઠક ભાજપના જીતુભાઈ સુખડિયા માત્ર ૧૭ મતે હાર્યા હતા.
  •  તમને યાદ છે ? ૧૯૯૯માં પાર્લામેન્ટમાં અટલજીની સરકાર માત્ર એક મતથી પડી ગઈ હતી. આ સમયે ભાજપની સરકાર સામેના અવિશ્વાસના પ્રસ્તાવમાં ૨૭૦ મત પડ્યા, જ્યારે એ પ્રસ્તાવની સામે ૨૬૯ મત પડ્યા હતા. જયલલિતાએ અટલજીને એક વોટ ન આપ્યો અને આમ એક મતથી આખેઆખી સરકાર પડી ગઈ હતી. જોકે ચંદ્રશેખરે પાછળથી પશ્ચાત્તાપ કરતાં નિવેદન કરેલું કે મને ખબર હોત કે ૧ મતથી સરકારનો પરાજય થવાનો છે તો હું મત વિરોધમાં ન આપત.
  • ઉપર જે લખી એ જ ચૂંટણીની એક બીજી વાત પણ છે, જે એક મતનું મૂલ્ય સમજાવે છે. ૧૯૯૯માં માત્ર ૧ મત ઓછો મળવાને કારણે અટલજીની સરકાર પરાજિત થઈ. અટલજીને રાજીનામું આપવું પડ્યું. ઑક્ટોબર, ૯૯માં ફરીથી ચૂંટણી થઈ, પણ આ બિનજરૂરી ચૂંટણીનો દેશને માથે કેવડો મોટો બોજો પડ્યો તેની આપને ખબર છે? રૂ. ૨,૦૦૦ કરોડ. આમ ૧ મતની કિંમત રૂ. ૨,૦૦૦ કરોડ છે.

 

  • અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ આજે દુનિયાભરમાં છે. આ પ્રભુત્વ પણ એક વોટના કારણે જ તેને મળ્યું છે. અમેરિકામાં જર્મન ભાષા બોલાશે કે પછી અંગ્રેજી ભાષા બોલાશે ? આ પ્રશ્નનો જવાબ શોધવા ૧૭૭૬માં અમેરિકાની કેબિનેટમાં એક ચૂંટણી યોજાઈ હતી, જેમાં માત્ર ૧ વોટથી અંગ્રેજી ભાષાની જીત થઈ હતી. આ ચૂંટણી બાદ અમેરિકાએ અંગ્રેજી ભાષા અપનાવી અને આજે અમેરિકાએ સમૂહ લગ્નોત્સવમાં મતદાન અંગ્રેજીનો પ્રચાર દુનિયામાં કર્યો છે અને તેનું પરિણામ પણ આપણે જોઈ રહ્યા છીએ.

 

  • આટલું વાંચીને, આ ઉદાહરણોને બરાબર સામે રાખીએ તો જરૂર આપણને આપણા એક વોટની શક્તિનો ખ્યાલ આવશે. મારા એક વોટથી શું ફરક પડવાનો છે? આવું ઘણા બધા વિચારતા હોય છે પણ ઘણીવાર નેતાની કે સરકારની પસંદગી પણ એક વોટથી જ થાય છે.
  • એક વોટ હાર-જીત નક્કી કરવાની તાકાત ધરાવે છે. આ તો માત્ર થોડાં ઉદાહરણો જ છે.વોટ થી પણ ઉમેદવારોની હાર-જીત નક્કી થયેલી છે. માત્ર ૧૫ વોટથી આપણા પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ચૂંટણી જીતી ગયા હતા

 

  • આજનો અણગમતો મત, આવતીકાલે મનગમતો મત
  • ૧૮ ઑક્ટોબર, ૧૮૬૭ની આ ઘટના છે. આ દિવસે સોવિયેત રશિયાએ અલાસ્કા નામનો પ્રાંત ૭૨ લાખ ડૉલરમાં છપાયો હતો. અમેરિકાને વેચી દીધો. જો કે અમેરિકાની પ્રજા આ ઉજ્જડ જમીન આટલી મોટી કિંમતે લેવાની વિરુદ્ધમાં હતી, તેથી રાષ્ટ્રપ્રમુખની વિરુદ્ધમાં ત્યાંની સંસદમાં ખટલો ચાલ્યો. ચર્ચાના અંતે મતદાન કરાવી નિર્ણય લેવાનું નક્કી કરાયું. મતદાનમાં ૧ મત વધુ મળવાથી રાષ્ટ્રપ્રમુખ બચી ગયા અને તેમની સામેનો ખટલો બંધ થયો, પણ મજાની વાત હવે આવે છે.અમે રિકાનોની અનિચ્છાએ ખરીદેલા આ ઉજ્જડ અલાસ્કામાં ૧૮૯૬માં સોનાની ખાણો નીકળતાં અમેરિકી પ્રજા રાજીના રેડ થઈ ગઈ. આમ અણગમતો ૧ મત ૩૦ વર્ષ પછી મનગમતો બની ગયો.

 

  •  એક મત ફાંસી પણ અપાવી શકે છે  ઇંગ્લેન્ડમાં રાજા ચાર્લ્સનું શાસન હતું. ચાર્લ્સ સ્વભાવે અત્યંત ક્રૂર અને આપખુદ હતો. તે સમયે ઇંગ્લેન્ડમાં અમીર-ઉમરાવોનું ભારે વર્ચસ્વ હતું. રાજા ચાર્લ્સની આપખુદશાહીમાંથી મુક્ત થવા અમીર-ઉમરાવોએ ઇંગ્લેન્ડની ઉમરાવસભામાં બંડ પોકાર્યું. આખરે મતદાનનો નિર્ણય લેવાયો અને ૧ મત વધુ મળતાં ત્યાંની ઉમરાવસભાએ રાજા ચાર્લ્સને ફાંસી આપી દીધી.

 

  • સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ચૂંટણીનું રસપ્રદ પરિણામ. વર્ષ ૧૯૧૭. અમદાવાદના બે વકીલો પ્રતિસ્પર્ધી. સરદાર સામે મોઈનુદ્દીન મહંમદભાઈ નરમાવાળા. કટોકટ હરીફાઈ. સરદારે મેળવ્યા ૩૧૪. નરમાવાળા ૩૧૩. સરદારનો ૧ મતે વિજય.

 

  • અને છેલ્લે એક વાર્તા
  • એક મત.                                       
  •  તમને અકબર બિરબલની એક વાર્તા જરૂર સાંભળી હશે, જેમાં અકબર પોતાના શહેરીજનોને એક તરણકુંડમાં રાત્રે એક લોટો દૂધ નાખવાનું ફરમાન કરે છે. રાત્રે બધા શહેરીજનો વિચારે છે કે રાત્રે દૂધની જગ્યાએ એક લોટો પાણી નાંખી દઈએ તો કોને ખબર પડવાની છે? દૂધમાં પાણી ભળી જશે. મારા એક લોટા પાણીથી શું ફરક પડવાનો છે? સવારે જ્યારે અકબર તરણકુંડને જોવા આવે છે તો તો તરણકુંડ માત્ર પાણીથી જ ભરેલો હોય છે. બધાએ આવું વિચારીને દૂધની જગ્યાએ પાણી જ નાખ્યું. મતદાન કરવામાં પણ કંઈક આવું છે.

 

  • ગુજરાતના ૪૦ ટકા મતદારો તો મતદાન કરતા જ નથી. લગભગ આ લોકો વિચારે છે કે મારા એક વોટથી શું થવાનું છે? પણ વાસ્તવિકતાને સમજો. આવું માનનારા તમે એકલા નથી. જો આવું માનનારા ભેગા થઈ જાય તો ટીપે ટીપે સરોવર ભરાઈ જાય ને! આપણે એક વાતને સમજી લેવી જોઈએ કે દરેક મતની ગણના થાય છે. એકડે એકથી જ એક કરોડ, બે કરોડ સુધી પહોંચાય છે. એવું કહેવાય છે કે બંદૂકની ગોળી (બુલેટ) કરતાં મત (બેલેટ) વધારે શક્તિશાળી છે અને માટે જો રાજનેતાઓને સબક શીખવવો હોય, રાજનીતિની ગંદકી દૂર કરવી હોય તો ચાલો, આ વોટ નામની શક્તિશાળી બંદૂકની ગોળીનો ઉપયોગ કરીએ... ચાલો, મતદાન કરીએ... અને કરાવીએ.

 

  • આવો સંકલ્પ લઈએ કે  આપડે સૌ ૧૦૦ ટકા મતદાન કરીશું અને પરિવાર અને સ્વજનોને પણ મતદાન કરવા પ્રેરીશું.રાષ્ટ્રહિત માં મતદાન, સમાજના ઉત્કર્ષ માટે મતદાન કરીએ.

Comments

Leave a Comment