આવો ૧૦૦ ટકા મતદાન કરીએ

આપણે સૌ ૧૦૦ ટકા મતદાન કરીએ.

 

આ ગુજરાતની ચૂંટણી છે. મહાત્મા ગાંધીના ગુજરાતની ચૂંટણી છે. અહીં હરીફાઈ થાય તો સેવાની. અહીં સ્પર્ધા થાય તો પ્રજાના પ્રશ્નો ઉકેલવાની.

 

મિત્રો, આ સરદારનું ગુજરાત છે, જેમણે જાહેરજીવનનાં સીમાચિહ્નો સ્થાપ્યાં છે. સરદારસિંહ રાણા અને શ્યામજી કૃષ્ણવર્માએ સ્થાપિત કરેલી સ્વસ્થ પરંપરાને ગુજરાતની પ્રજાએ પચાવી છે પરંતુ ક્યારેક જાહેરમાં એકમેક પક્ષો અણછાજતાં ઉચ્ચારણો કરતાં હોય એ ય અયોગ્ય જ બને છે.

 

આ ચૂંટણીજંગ એ બે વિચારધારાઓ વચ્ચેનો જંગ છે. ન્યાય અને અન્યાય વચ્ચેનો જંગ છે. નીતિ અને અનીતિ વચ્ચેનો જંગ છે. પ્રામાણિકતા, ઉદારતા, સચ્ચાઈ અને શાંતિની પ્રસ્થાપના માટેનો જંગ છે. કોઈ જ્ઞાતિનું જૂથ, વયજૂથ કે વ્યાપારી જૂથને સામૂહિક રીતે પોતાના તરફ ખેંચી જીતવાનો જંગ નથી. પણ પક્ષના સિદ્ધાંત, નીતિ અને ઉદ્દેશો દ્વારા પ્રજામતને જાગૃત કરી મત મેળવવાનો જંગ છે.

 

અહીં હરીફાઈ હોય તો પ્રજાકીય કામો કરવાની હોય, સમાજજીવનનો ઉત્કર્ષ કરવાની હોય, ભૂખ્યાને અન્ન, નિર્વસ્ત્રને વસ્ત્ર અને બેઘરને ઘર મળે તેની હોય, ચૂંટણી ઢંઢેરામાં અપાયેલાં વચનોના પ્રામાણિક પાલનની હોય. આ ગાંધીજીનું ગુજરાત છે. અહીંની પ્રજા અયોગ્ય ઉમેદવારની શેહમાં આવી પાંચ વર્ષ સુધી પસ્તાવું પડે એવું મતદાન ન કરે. મતદાન એ ગુપ્ત વાત છે. એને સમૂહમાં લાવી કશી બાંયધરી આપવાની ન હોય.

 

કોઈની શેહશરમમાં આવી, કોઈના દબાણને વશ થઈ, માત્ર થોડી આર્થિક સહાયમાં લલચાઈને, કે સારા-નરસા ફાયદાની વાતોમાં આવી જઈને પાંચ વર્ષ પસ્તાવો કરવાનો વારો આવી પડે એવું મતદાન ન કરીએ.

 

આપણે ગુજરાતમાં રહીએ છીએ અને ગુજરાતનું ગૌરવ આપણા હાથમાં છે. મતદાન કરવું આપણી નૈતિક ફરજ છે. ૧૦૦ ટકા મતદાન કરીને સક્ષમ અને આપણે સંનિષ્ઠ સરકાર પસંદ કરીએ. તો આવો આપણે સૌ ૧૦૦ ટકા મતદાન કરીને ગુજરાતની અસ્મિતાને અજવાળીએ.

Comments

Leave a Comment