15 રાજ્યમાં 15 લાખથી વધુ ગાયો લમ્પીની ઝપેટમાં, 75 હજારનાં મોત, વધુ દૂધ આપતી ભારતીય નસલની ગાયોને જ વધારે અસર, મહામારી જાહેર કરવી જોઈએ ?

15 રાજ્યમાં 15 લાખથી વધુ ગાયો લમ્પીની ઝપેટમાં, 75 હજારનાં મોત

  • નવા સંક્રમણનું જોખમ ગાયોમાં લમ્પી વાઇરસ ફેલાઇ રહ્યો છે, વરસાદ અટકશે તો સ્થિતિ સુધરશે
  • ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને યુપીના જિલ્લાઓમાં ભયાવહ સ્થિતિ

 વધુ દૂધ આપતી ભારતીય નસલની ગાયોને જ વધારે અસર

આશ્ચર્યની વાત એ છે કે ગાયની ભારતીય નસો લમ્પીની ઝપટમાં વધુ આવી રહી છે. રાજસ્થાન વેટરનરી યુનિ.ના પૂર્વ વીસી ડૉ. એ. કે. ગેહલોતના જણાવ્યાનુસાર ગૌચર અને ગૌશાળામાં ભારતીય નસલની જ ગાયો છે. ત્યાં ઘણી બધી ગાયો સાથે રહેતી હોવાથી એકને વાઇરસનો ચેપ લાગે એટલે બીજી ગાયોને પણ જોખમ રહે છે. ચિંતાની વાત એ છે કે સારી સંભાળ છતાં રાઠી, થારપારકર, કાંકરેજ, ગીર અને સાહિવાલ નસલો મોટી સંખ્યામાં સંક્રમિત થઇ રહી છે. આ પાંચ નસલની ગાયો વધારે દૂધ આપે છે. બીમારી શું છે? લમ્પી વાઇરસ ત્વચાના એક રોગને કારણે બને છે અને પશુધનને અસર કરે છે. તે કેટલાક મચ્છર-માખી અને જીવાતો દ્વારા ફેલાય છે. તેમાં પશુઓના શરીર પર ગાંઠો થઇ જાય છે.

 

દૂધનો સપ્લાય ઘટતા મંડળીઓએ ભાવ વધાર્યા

લમ્પી સંક્રમિત થતાં જ ગાયનું દૂધ ઘટી જાય છે કે સંપૂર્ણ બંધ થઇ જાય છે. રાજસ્થાનમાં સૌથી વધુ અસરગ્રસ્ત 5 જિલ્લામાં દૂધ ઉત્પાદન 30% ઘટી ગયું છે. ગુજરાતમાં 10% ઘટ્યું છે. પંજાબમાં સપ્લાય 7થી 8% ઘટ્યો છે. વરસાદની વિદાય બાદ દૂધની અછત વર્તાઇ શકે છે, કેમ કે હાલ લીલો ચારો ખાવાથી દૂધાળા પશુ વધારે દૂધ આપે છે. સપ્લાય ઘટતાં અમુક ડેરી સંઘે દૂધના ભાવ લીટરે 2-4 રૂપિયા વધારી દીધા છે.

તહેવારો સુધી બધું સામાન્ય થવાની આશા

લમ્પીથી પીડિત થતાં ગાયનું દૂધ ઘટી જાય છે. આપણે ત્યાં સપ્લાયમાં અડધો ટકા જ ફેર પડ્યો છે. ફેસ્ટિવલ સિઝન સુધીમાં બધું સામાન્ય થઈ જવાની આશા છે. આપણે માગ હશે તે મુજબ સપ્લાયની યોજના બનાવી લઈશું. » આર.એસ. સોઢી, એમડી, અમૂલ

 

મહામારી જાહેર કરવી જોઈએ

લમ્પીનો કેર કોરોના જેવો જ ભયાવહ છે. તફાવત ફક્ત એટલો છે કે કોરોનાથી માણસો અસરગ્રસ્ત થયા અને લમ્પીથી પશુ કે જે પોતાની પીડા પણ વર્ણવી શકતા નથી. આ બીમારી 2019થી ચાલી રહી છે પણ બે વર્ષ સુધી તેના ઓછા કેસ સામે આવ્યા હતા. આ વર્ષ મે-જૂનમાં તેનું સંક્રમણ કોરોનાની લહેરની જેમ ફેલાઈ ગયું. કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ અને તેને મહામારી જાહેર કરી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને બચાવનું સુકાન સોંપવું જોઇએ. જે ખેડૂતોના પશુ મૃત્યુ પામ્યા છે તેમને વળતર પણ ચૂકવવું જોઈએ. ઉદ્યોગપતિઓને પેકેજ મળી શકે તો લમ્પીથી અસરગ્રસ્ત ખેડૂતોને કેમ નહીં?

લમ્પી વાઇરસ દેશનાં 15 રાજ્યના 175 જિલ્લામાં ફેલાઇ ચૂક્યો છે. સત્તાવાર આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 15 લાખથી વધુ ગાયો સંક્રમિત થઇ ચૂકી છે અને 75 હજારનાં મોત થઇ ચૂક્યાં છે. જોકે, વાસ્તવિક આંકડો આનાથી અનેકગણો વધુ હોવાની આશંકા છે. તમામ અસરગ્રસ્ત રાજ્યોએ તેમના સ્તરે બચાવ કામગીરી હાથ ધરી હોવા છતાં એક રાજ્યથી બીજા રાજ્યમાં સંક્રમણ ફેલાવાનો સિલસિલો જારી છે. પશુધનની દૃષ્ટિએ મોટા રાજ્યોમાં સામેલ રાજસ્થાનના 33માંથી 31, ગુજરાતના 33માંથી 26, પંજાબના તમામ 23, હરિયાણાના તમામ 22 અને યુપીના 75માંથી 21 જિલ્લામાં લમ્પીનું સંક્રમણ ફેલાઇ ચૂક્યું છે. ગાયોના પાલન પર નિર્ભર પરિવારો સામે આજીવિકાનું સંકટ ઊભું થયું છે. બીજી તરફ દૂધની પણ અછત સર્જાવા લાગી છે. જ્યાં લમ્પીનો કેર વધુ છે તે રાજ્યોની સરકારો વરસાદ થંભે તેની રાહ જુએ છે. વાઇરસ વધુ સક્રિય હોવાનું કારણ વરસાદ મનાય છે. વરસાદ થંભે તો વાઇરસ ફેલાવતા માખી-મચ્છર ઘટશે અને લમ્પી પર લગામ લાગી જશે. બીજી તરફ ગાયોને વેક્સિન આપવાનું કામ ઝડપથી થઇ રહ્યું છે. હાલ ગોટ પોક્સ વેક્સિન અપાઇ રહી છે. નેશનલ એક્વાઇન રિસર્ચ સેન્ટર અને ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે સ્વદેશી વેક્સિન તૈયા૨ કરી લીધી છે.

Tags: lampi virus

Comments

Leave a Comment